વડીલો કહે છે કે દરેક પાસેથી કંઇક શીખવા મળે છે, પણ ક્યારેય વિચાર્યું છે કે આપનું લેપટોપ કે કોમ્પ્યુટર કઇ રીતે જીવવું તે શીખવી શકે છે?
=================================
એક રીતે જોતાં કોમ્પ્યુટર આપણા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો હોવા છતાં તેના આગવા વિચાર કે સમજ નથી હોતા. તે માત્ર આપણે આપેલી સૂચનાનો અમલ કરીને આપણી મદદ કરે છે. તેમ છતાં કોમ્પ્યુટરની સંભાળ માટે અપનાવાતાં નિયમોને આપણા જીવનમાં પણ લાગુ કરી શકીએ છીએ. તેના અનેક લાભ છે:
*********************************
કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવને નિયમિત ડિફ્રેગ્મેન્ટ કરતાં રહેવાથી કોમ્પ્યુટર વધારે સારી રીતે અને ઝડપથી કામ કરે છે. ડિફ્રેગ્મેન્ટ એ કોમ્પ્યુટરની ફાઇલોને વ્યવસ્થિત રાખવાની પ્રક્રિયા છે. તેમાંથી નકામી બાબતોને કાઢી નાખવામાં આવે છે અને જરૂરી ફાઇલોને તેના નિશ્વિત સ્થાન પર જમા કરી દેવામાં આવે છે, જેથી જરૂર પડે ત્યારે તે સરળતાથી મળી જાય.જિંદગીને વ્યવસ્થિત રાખવા માટે આપણે પણ આવી જ કામગીરી કરવાની જરૂર છે. આવા કામ રોજ કરવાની ટેવ પાડો, પણ શરૂઆતમાં મહિનામાં એક વાર કરી જુઓ. તમને પોતાને ખ્યાલ આવી જશે કે વાતાવરણને વ્યવસ્થિત રાખવાની કામગીરી ખૂબ જરૂરી છે, નહીંતર અવ્યવસ્થા પ્રસરતાં વાર નહીં લાગે.
********************************
તમે કોઇ પણ નકામી ફાઇલ ડિલિટ કરીને રિસાઇકલ બિનમાં નાખી દો છો, પણ એ ફાઇલ ડિલિટ નથી થઇ હોતી. તે રિસાઇકલ બિનમાં તો જળવાઇ જ રહે છે. આવું જ આપણી સાથે પણ બને છે. ઘરને વ્યવસ્થિત રાખવા આપણે નકામી વસ્તુઓ અગાસી કે સ્ટોરરૂમમાં મૂકી દઇએ છીએ, પણ આ યોગ્ય નથી. નકામો સામાન ઘરમાંથી જ કાઢી નાખો.
********************************
તમે ક્યારેક ટેટ્રિસ રમ્યા હશો. તેમાં ઉપરથી પડતા બ્લોકસને એકબીજામાં અટકાવીને ગોઠવતાં જઇને જગ્યા બનાવવામાં આવે છે. કેટલાક લોકો પોતાના કબાટમાં આ રીતે જ બધું ગોઠવતાં હોય છે, જેના લીધે ક્યાંય જગ્યા નથી રહેતી. ખરેખર તો વધારે વસ્તુઓ ભરવાથી નર્યું નુકસાન જ છે. જરૂરના સમયે વસ્તુ શોધવામાં તકલીફ પડશે અને સમય વેડફાશે તે વધારામાં. એક વાત સમજી લો કે દરેક ખાલી જગ્યાને ભરી દેવી જરૂરી નથી.
*******************************
તમે ઇન્ટરનેટ દ્વારા અનેક જાણકારી અને બીજો ડેટા એક્સેસ કરતાં હશો, પણ આ બધી બાબતો તમે કોમ્પ્યુટરમાં તો સાચવીને રાખી શકતાં નથી. બીજી બધી બાબતોને પણ આ જ વાત લાગુ પડે છે. ગમે ત્યારે કામ લાગે એવી માનસિકતાને લીધે ઘણા લોકોને ઘરમાં ઢગલો સામાન ભેગો કરવાની ટેવ હોય છે. પરિણામે, દરેક વસ્તુની સાચવણી અને વ્યવસ્થા યોગ્ય રીતે નથી થતી. માટે એ જ વસ્તુઓ સાચવી રાખો જેની ખરેખર જરૂર હોય.
*******************************
ઘણી વાર ટેક્નિકલ ખામીને લીધે કોમ્પ્યુટરમાં સાચવેલી મહત્વની સૂચના નાશ પામે છે. આથી જરૂરી ફાઇલોને સુરક્ષિત રાખવા માટે તેનો બેકઅપ લેતાં રહેવાની સૂચના આપવામાં આવે છે. એ જ રીતે તમારા અગત્યના ડોકયુમેન્ટ્સમાં પણ મુશ્કેલી આવી શકે છે. ઇન્સ્યોરન્સ પોલિસી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, વગેરે સંબંધિત મહત્વની જાણકારીને એક ડાયરીમાં લખી રાખો અથવા તેની ફોટોકોપી કરાવી જુદી ફાઇલ રાખો..
******************************
આપણે કોમ્પ્યુટરમાં ટેક્નિકલ ખામી ઉત્પન્ન ન થાય એ માટે સાવચેતી રાખીએ છીએ, પણ કાયમ સફળ નથી થતાં. ત્યારે એક જ માર્ગ બચે છે, કોમ્પ્યુટરને ફોર્મેટ મારી નવી શરૂઆત કરવી. જો તમે ઘણા સમયથી કોમ્પ્યુટર પર વાપરતાં હો, તો ખ્યાલ હશે કે ક્યારેક તે એટલું ખરાબ થઇ જાય છે કે અનિચ્છાએ બધા ડ્રાઇવ્સ ફોર્મેટ કરવા પડે છે. એવામાં તમે ઇચ્છશો કે ગમે તે રીતે થોડોઘણો ડેટા બચી જાય અને નવેસરથી શરૂઆત કરી શકાય. કોમ્પ્યુટર બરાબર કામ કરવા લાગે છે, ત્યારે નક્કી કરો છો કે હવેથી આવું નહીં થવા દો. આવો જ નિર્ણય જીવનના હિતાર્થે પણ કરી જુઓ..............યાદ રાખજો જીવન એ કમ્પ્યુટર જેવું છે